ભારતીય સંસ્કૃતિની વર્ણવ્યવસ્થા
ભારતીય સંસ્કૃતિ મુજબ સમાજવ્યવસ્થા ચાર વર્ણોમાં વહેંચાયેલી છે. સમાજમાં વર્ગો થવા કે હોવા એ કુદરતી છે, સ્વાભાવિક છે. વર્ગવિહીન સમાજવ્યવસ્થાની વાત કરનારા પશ્ચિમના કહેવાતા વિદ્વાનો દંભી છે કારણ કે વર્ગોમાં વહેંચાયેલો સમાજ સુસંસ્કૃત માનવદશાનું પ્રતિનિધિત્વ કરે છે. સમાજ પર તો જવા દો વ્યક્તિ પર પણ કોઈનો કાબુ નથી એવી પશ્ચિમી સભ્યતામાં ઉછરેલા આ દંભીઓને વ્યવસ્થિત સમાજરચના પણ હોઈ શકે એ વાત કપોળ કલ્પનામાત્ર લાગે એ સ્વાભાવિક છે. કારણ કે તેઓએ તો વ્યક્તિઓનું સ્વચ્છંદી વર્તન જ જોયેલું છે. તેઓને સંયમિત કરી શકાય જ કેવી રીતે? એ જ તેઓને સમજાતું નથી. માટે તેઓ ‘અમારો સમાજ પશુઓનું ટોળુ છે’ એવું કબુલ કરવાને બદલે ‘અમે તો વર્ગવિહીન સમાજવ્યવસ્થામાં વિશ્વાસ ધરાવીએ છીએ’ એવું કહીને નર્યો દંભ કરે છે.
શ્રીમદભગવદગીતા કહે છે, “ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશ: . ભારતીય પરંપરામાં ચાર વર્ણો છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ ચાર વર્ણો ઈશ્વરે નિર્માણ કરેલા જન્મજાત સ્વભાવ પ્રમાણે અનુક્રમે : શિક્ષક, રક્ષક, પાલક અને સેવક તરીકે કાર્ય કરે છે. ચાર વર્ણો એ વર્ગભેદ નથી પરંતુ સમાજની જરૂરિયાતોને પહોંચી વળવાની એક વ્યવસ્થા માત્ર છે. ચારેય વર્ણોનું મહત્વ એકસરખું છે, કોઈ હલકો નથી, કોઈ ચઢિયાતો નથી. કોઈ પણ દેશની સમાજવ્યવસ્થા જુઓ તો એમાં આ ચારેય વર્ગો જણાશે. ભારતીય સમાજરચનામાં વ્યક્તિગત મહત્વાકાંક્ષાને કોઈ સ્થાન નથી. તમારે ભાગે જે કર્તવ્ય આવ્યું તે બરાબર બજાવવાનું. કોઈ ઑવરટેક નહિ, છતાં પોતાનું શ્રેષ્ઠતમ કૌશલ્ય પ્રયોજવાનું. વ્યક્તિ કે સમાજને આ રીતે કાર્ય કરતો કરવો આ એક કળા છે. કેટલાક જ્ઞાનીઓને મુંઝવણ થાય છે કે કર્તવ્ય જન્મને આધારે નક્કી થાય કે રૂચિને આધારે ! સમાજમાં આંતરજ્ઞાતીય લગ્નો થકી વર્ણસંકર પ્રજા જન્મી ચુકી તેથી કોઈ પણ વર્ણને ત્યાં કોઈ પણ સંસ્કાર ધરાવતો જીવ જન્મ લેવા લાગ્યો. વાસ્તવમાં વર્ણના સંસ્કાર જન્મજાત જ હોવા જોઈએ. પરંતુ એક વાર સમાજવ્યવસ્થામાં બગાડ કે સડો પેઠો ત્યારબાદ હવે અડધેથી પાછા વળી શકાય એમ નથી. તેથી હવે વ્યક્તિએ રૂચિ અનુસાર કર્તવ્ય અપનાવવાનું રહે છે. ગર્ભવિજ્ઞાન અનુસાર એવું શી રીતે બની શકે, કે શિક્ષકના સંસ્કાર ધરાવતો જીવ સુથારીકામ કરનારને ત્યાં જન્મ લે? અને લડાયક વૃત્તિનો જીવ બ્રાહ્મણને ત્યાં જન્મ લે? એ તો શક્ય જ નથી. પરંતુ વર્ણસંકર સમાજમાં હવે કંઈ પણ શક્ય છે. આંબાના વૃક્ષ પર કેરી આવે ને બોરડીના વૃક્ષ પર બોર આવે. બોરડી પર કેરી શી રીતે આવે? વર્ણસંકરતા એટલે બોરડીની ડાળે આંબાની કલમ ચોંટાડીએ તો બોરડી પર પણ કેરી આવે એવી આ વાત છે.
વૈજ્ઞાનિકોએ જે રીતે આઠ રૂધિરજૂથ શોધી કાઢ્યા એ રીતે આપણા ઋષિમુનિઓએ સમાજના ચાર વર્ણો અને તેઓના રૂચિ-કૌશલ્યને શોધી કાઢ્યા હતા અને તેને અનુરૂપ વાતાવરણ પુરુ પાડીને સમાજના એ સંસ્કારોને દૃઢ કરીને ઉંડે સુધી લોહીમાં ઉતાર્યા હતા. ‘અભિજ્ઞાનશાકુંતલમ’માં દુષ્યંત શકુંતલાને જોઈને આકર્ષાય છે અને એને મુંઝવણ થાય છે, કે ‘શકુંતલા તો કણ્વઋષિની, બ્રાહ્મણની દિકરી છે, તેના પ્રત્યે મારું ક્ષત્રિય મન સાભિલાષ શાથી થયું? નક્કી એ ક્ષત્રિય હોવી જોઈએ.’ અને આપણે જાણીએ છીએ કે શકુંતલા ક્ષત્રિય ઋષિ વિશ્વામિત્રના મેનકા નામની અપ્સરા સાથે થયેલા સંબંધનું પરિણામ હતી. આ છે દૃઢ થયેલા સંસ્કાર.
શરીરસંબંધનું પરિણામ સ્ત્રીના શરીરમાં થતું હોવાથી સ્ત્રીને જીવનમાં માત્ર એક જ પુરુષ સાથે શરીરસંબંધથી જોડાવાનું કહ્યું છે. સ્ત્રી તેમજ પુરુષ પ્રત્યે કોઈ ભેદભાવની ભાવના છે જ નહિ. બ્રાહ્મણનું કાર્ય ક્ષમા આપવાનું અને ક્ષત્રિયનું કાર્ય સજા આપવાનું છે. જો આ બે જ્ઞાતિના છોકરા-છોકરી વચ્ચે શરીરસંબંધ થાય તો એનાથી જન્મેલી સંતતિના લોહીના ગુણો ચાલ્યા જાય. આવો યુવાન સરહદ પર સૈનિક તરીકે ફરજ બજાવતો હોય તો એક ક્ષણે એ દુ:શ્મનને મારવા નિશાન લે અને દુ:શ્મન શરણે આવવાનું નાટક કરે તો એને ક્ષમા આપી દે. પરિણામે એ દુ:શ્મન એને જ મારી નાંખે એવું બને. આવા સંબંધોને કારણે નિર્માલ્ય, ગુનાઈત માનસિકતા ધરાવતી વર્ણસંકર પ્રજા જન્મ લે અને કાળક્રમે સમાજ આત્મઘાતી બને. આજની ઈંગલેંડની પ્રજા એ બે મહાન વંશ નોર્મન તેમજ સેક્સનના મિશ્રણથી જન્મેલી પ્રજા છે. જે સમાજશાસ્ત્રીઓએ એ બે મહાન વંશના જન્મજાત ગુણો જોયા છે તેઓને તેના મિશ્રણથી જન્મેલી આજની બ્રિટિશ પ્રજામાં એ ગુણો જોવા જ મળતા નથી. માટે એ સમાજશાસ્ત્રીઓએ ચોધાર રૂદન કર્યું છે. પરંતુ તેઓનું એ રૂદન અરણ્યરૂદન બની રહ્યું કારણ કે સમાજને કાબુમાં લેવા તેઓ અસમર્થ હતા. એમ કહેવાય છે કે આર્યો એટલે કે આપણો પુરુષ વર્ગ સ્ત્રી કરતા પણ અતિશય સુંદર હતો. આજે પુરુષ વર્ગમાંથી સૌંદર્ય ચાલ્યું ગયું કારણ આંતરજ્ઞાતીય લગ્નો.
બ્રહ્મમાં રમમાણ તે બ્રાહ્મણ. બ્રાહ્મણ જ્ઞાનપૂજક તેમજ અભ્યાસુ વર્ગ ગણાય. વેદનું અધ્યયન તેમજ અધ્યાપન તેનું કર્તવ્ય. સમાજને જ્ઞાન તેમજ સંસ્કાર આપે ને એ રીતે સમાજમાં પ્રેમ, શાંતિ, સુખ-સમૃદ્ધિ અવિરત વધતી રહે. ‘ક્ષતાત ત્રાયતે ઈતિ ક્ષત્રિય:’ બ્રાહ્મણના કાર્યમાં અવરોધ ઉભો કરનાર (હવનમાં હાડકા) કે સમાજને આંતરિક રીતે કષ્ટ આપનાર અથવા દેશની બાહ્ય સુરક્ષા માટે ખતરારૂપ તત્વોને શિક્ષા આપવાનું કાર્ય ક્ષત્રિય સમાજ કરે. ‘વિશતિ ઈતિ વૈશ્ય.’ ઘર-ઘરમાં જેનો પ્રવેશ છે તે વૈશ્ય. વૈદિક સમાજ એવો તો ખુમારીવાળો હતો કે સંજોગવશાત કોઈ વ્યક્તિ કે પરિવાર અગવડમાં આવી જાય ને દિવસો સુધી ભુખ્યા સૂઈ જાય તો પાડોશીને પણ ખબર ના પડવા દે. પરંતુ એ સમયે વૈશ્ય વર્ગનો ઘરોઘરમાં પ્રવેશ હોવાથી કોઈના પણ ઘરે અન્નની અગવડ આવતી જ નહિ. કોઈ માણસ પોતાના મિત્રના ઘરે પચાસ વખત ગયો હોય છતાં એવું બને કે એણે મિત્રના બેઠકરૂમ સિવાય ઘરને પૂરેપુરું જોયું જ ન હોય. અને કોઈ માણસ એવો પણ હોય કે અજાણ્યાના ઘરે પણ પહેલી જ મુલાકાતમાં “કેમ છો આંટી?” “મજામા આંટી?” એમ પુછતો-પુછતો રસોડા સુધી પ્રવેશી જાય. આ જ રીતે વૈશ્ય વર્ગ સમાજ સાથે આત્મીયતા વધારીને ‘એનું પોષણ બરાબર થાય છે કે નહિ’ એનું ધ્યાન રાખતો હતો. ‘કૃષિ ગૌરક્ષ્ય વાણિજ્યમ વૈશ્ય કર્મ સ્વભાવજમ’ એવું ગીતા કહે છે. ખેતી, પશુપાલન અને વેપાર એ વૈશ્યોનું કર્તવ્ય ગણાય. ગુજરાતમાં પટેલ જ્ઞાતિ વૈશ્ય છે. વાણિયા એટલે વૈશ્ય નહિ.
‘શુચાત દ્રવતિ ઈતિ શૂદ્ર:’ શ્રીમદઆદ્યશંકરાચાર્ય કહે છે, “બીજાનું દુ:ખ જોઈને જેનું દિલ દ્રવી જાય છે તે શૂદ્ર છે.” સૌથી વધુ ગેરસમજ થઈ હોય તો ભારતીય સંસ્કૃતિના શૂદ્રને સમજવામાં થઈ છે. જાણકારો કહે છે, કે ‘શૂદ્ર એટલે સફાઈ કામદાર.’ પરંતુ એવું નથી. ‘શૂદ્ર’ અને ‘ક્ષુદ્ર’ આ બે જુદા શબ્દો છે. શૂદ્ર એ આપણો એક વર્ગ છે અને ક્ષુદ્ર એટલે તુચ્છ, તિરસ્કૃત એવી બાબતો કે એવી વ્યક્તિ. ગીતા કહે છે, ‘પરિચર્યાત્મકમ કર્મ શૂદ્રસ્યાપિ સ્વભાવજમ.’ પરિચર્યા એટલે સેવા. સેવા એટલે માત્ર સફાઈકામ કરવું કે પગ દબાવવા એટલું જ માત્ર નહિ. સેવાનું અંગ્રેજી થાય છે સર્વિસ. સમાજને દુ:ખ પડતું જોઈને એ દુ:ખ દૂર કરવા જે કાર્ય કરવામાં આવે છે તે સેવા ગણાય. ઉનાળામાં ગરમ પાણી ન પીવું પડે માટે કુંભકાર (કુંભાર) માટલા બનાવે. આજે રેફ્રીજરેટર અને એરકંડિશનર બનાવનાર શૂદ્રો ગણાય. ઉઘાડા પગે ચાલીએ તો દાઝી જવાય, પગમાં કાંટા વાગે. એવું ન થાય એ માટે જે ચંપલ કે બૂટ બનાવે તે ચર્મકાર (મોચી). પલંગ કે તીજોરી બનાવે તે લોહકાર (લુહાર). ઠંડી, ગરમી કે વરસાદમાં શરીરનું રક્ષણ કરવા વસ્ત્રો બનાવે તે વર્ણકાર (વણકર) ઉપરાંત સુવર્ણકાર (સોની) વગેરે. હવે વિચારો, કોઈ કાળે શૂદ્રો લાચાર કે ગરીબ કે બિચારા હોઈ શકે ખરા? ઉલ્ટાનું શૂદ્રો પ્રત્યેક કાળમાં ભૌતિક દૃષ્ટિએ સમૃદ્ધ જ રહ્યા છે.
સમાજની ભૌતિક જરૂરિયાતો પૂરી કરવાવાળા વર્ગની માંગ સમાજમાં હંમેશા રહેવાની જ ! બ્રાહ્મણ સંસ્કાર નહિ આપે તો સમાજને કંઈ પડી નથી, રક્ષકોને પણ સંપન્ન લોકો ખરીદી લે છે. પરંતુ શૂદ્રોને અવગણી શકાતા નથી. આજે પણ બંગલો, ગાડી વગેરે માટે લોકોમાં કેટલો બધો ક્રેઝ જોવા મળે છે! આથી આ વર્ગ હંમેશા સંપન્ન રહ્યો છે. ઉલ્ટાનું બન્યું છે એવું કે સમૃદ્ધિ વધી જવાથી એના કેફમાં ઉદ્ધત બનેલા શૂદ્ર સમાજે વારંવાર જ્ઞાનની, ઈશ્વરપ્રેમની ઉપેક્ષા કરી છે. એક કાળે તમામ વર્ગો માટે જનોઈ માન્ય હતી. જનોઈ ધારણ કરનાર માણસ પ્રેમથી સવાર-સાંજ સંધ્યા કરીને ઈશ્વરસ્મરણ કરતો અને પોતાને ઉત્તમ જીવન આપનાર પ્રભુનો આભાર માનતો. ધંધામાં અતિ વ્યસ્ત એવા શૂદ્રો પાસે સંધ્યા કરવાનો સમય બચતો ન હોવાથી તેઓ ઈશ્વરને યાદ ન કરતા. ‘દૈનિકક્રિયા છૂટી જાય તો સંસ્કાર ચાલ્યા જાય ને સમાજ પાછો ખાઈમાં પડી જાય’ એવા ભયથી બ્રાહ્મણો પ્રેમથી શૂદ્રોને સંધ્યા કરવાનું યાદ અપાવતા. વારંવાર કહેવા છતાં સંપત્તિના નશામાં ચકચૂર એવો આ વર્ગ સંધ્યા ન કરતો તેથી બ્રાહ્મણોએ તેઓનો જનોઈનો અધિકાર પરત લઈ લીધો. હવે તેઓના બાળકો માટે વેદાધ્યયનનો અધિકાર પણ ગયો ને તેઓના સમાજમાં, પરિવારમાં આવનારા શુભ-અશુભ પ્રસંગોએ તેમજ વ્યક્તિજીવનમાં કરવામાં આવતા વિવિધ સંસ્કારોના પ્રસંગે વેદગાનનો અધિકાર પણ ગયો. સમાજનું એક મજબૂત અંગ વિખુટુ પડી ગયું. પણ શું થાય? સંસ્કારવિહીન વર્ગ સાથે સંપર્ક રાખવામાં આવે તો આખા સમાજમાં સડો પેસી જાય. એનો વિચ્છેદ કરવો જ પડે. અધ:પતનના આ રસ્તે કાળક્રમે વૈશ્ય વર્ગે પછી ક્ષત્રિય વર્ગે અને છેલ્લે બ્રાહ્મણ વર્ગે પણ જનોઈ છોડી. આજે ઘણાખરા બ્રાહ્મણ પરિવારોમાં બાળકોને યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવે છે બાકી તો બ્રાહ્મણોમાં પણ લગ્ન પૂર્વે જનોઈ લેવાની ક્રિયા ટકી રહી છે (ત્રણ દોરા ને છ દોરા).
આજે સમાજવ્યવસ્થામાં અનેક પ્રશ્નો ઉભા થયા છે તેના મૂળમાં વ્યક્તિમાત્રનો કદાપિ શાંત ન થવાવાળો કામ અને કર્તૃત્વશક્તિ એ બે બાબતો છે. માણસમાત્રમાં જીજીવિષાની સાથે વિજિગીષા રહેલી છે. જીવવાની સાથે-સાથે વિજેતા થવાની ઈચ્છા. એને સૌથી આગળ નીકળી જવું છે. સમાજમાં જે કાંઈ શ્રેષ્ઠ છે એ બધું જ એને મેળવી લેવું છે. જે કાળે સદગુણો શ્રેષ્ઠતાની પારાશીશી હતા ત્યારે માણસ સદગુણો મેળવવા પ્રયત્નશીલ રહેતો. આજે ધન-કીર્તિને પ્રતિષ્ઠા છે તો માણસ યેનકેન પ્રકારે એ મેળવવા મથે છે. માણસને સમજાઈ જવું જોઈએ કે પોતે જે કાંઈ છે એ જ ઉત્તમ છે, એને સમાજના હિતમાં પ્રયોજવાનું છે અને એ રીતે શ્રેષ્ઠ બનવાનું છે. બીજા પાસે છે એ પોતાની પાસે હોય એ માટેના પ્રયત્નમાંથી તમામ અથડામણો જન્મે છે અને એમાંથી સંઘર્ષો ઉદ્ભવે છે. એક સારા કારીગરનો કોઈ વિકલ્પ નથી. એનાથી જે કામ થશે એ બીજા કોઈથી નહિ થાય. વિદ્વાન કથાકાર અચાનક બિમાર પડે તો દાક્તરનો અભિપ્રાય લેવામાં આવશે, નહિ કે બીજા કથાકારનો! બગીચામાં કામ કરતો માળી અને ઈશ્વરનું કર્તવ્ય બન્ને એકસરખા છે. આ રીતે દરેક કર્મનું ગૌરવ કરવું અને કોઈ પણ કાર્યનું ક્રયમૂલ્ય ન કરવું એ જ તમામ આપત્તિઓનો અંત લાવવા માટે અનિવાર્ય છે. અંતે એટલું તો સ્પષ્ટ છે કે સુખ-સગવડો પાછળની આંધળી દોટ છોડાવીને સમાજને જો અટકાવી શકાય તો જ ફરીથી સમાજને વ્યવસ્થિત કરી શકાય. આ માટે સ્વકેન્દ્રી નહિ પણ ઈશ્વરકેન્દ્રી સમાજ થાય એ અત્યંત જરૂરી છે.
Comments
Post a Comment