કર્તવ્યની શક્તિ



આપણું જે પ્રથમ કર્તવ્ય હોય તે બજાવવાથી જ ઊંચે ચઢાય છે, અને આમ ઉત્તરોત્તર શક્તિ પ્રાપ્ત કરીને ઊંચામાં ઊંચી ભૂમિકાએ પહોંચાય છે

એક જુવાન સંન્યાસી જંગલમાં ગયો. ત્યાં તેણે ધ્યાન ધર્યું, લાંબા સમય સુધી ઉપાસના અને સાધના કરી. ઘણાં વર્ષો સુધી સખત તપ અને સાધના કર્યા પછી, એક દિવસ એ વૃક્ષ નીચે બેઠો હતો, ત્યારે વૃક્ષ પરનાં સૂકાં પાંદડાં એના માથા પર પડ્યાં.

એણે ઊંચે જોયું તો, વૃક્ષની ટોચે એક કાગડો અને એક બગલો ઝઘડી રહ્યાં હતાં. આ જોઈને સંન્યાસીને ખૂબ ગુસ્સો ચડ્યો. તેણે બંને પક્ષીઓને સંબોધીને કહ્યું : ‘તમે સૂકાં પાંદડાં મારા માથા પર શા માટે નાંખો છો ? તમારું હવે આવી બન્યું લાગે છે !'

આ શબ્દો બોલતાંની સાથે એણે ગુસ્સાભરી નજરે પેલા કાગડા અને બગલા ભણી જોયું , ત્યાં તો પેલાં બંને પક્ષી બળીને ખાખ થઈ ગયાં ! આ જોઈને સંન્યાસીને બહુ આનંદ થયો. નજર માત્રથી પોતે કાગડાને અને બગલાને પળવારમાં બાળીને ભસ્મ કરી શક્યો એ સિદ્ધિના પરચાથી એને ભારે આનંદ થયો. થોડા વખત પછી ભિક્ષા માટે સંન્યાસીને શહેરમાં જવાનું થયું. એ શહેરમાં ગયો. એક ઘરને બારણે જઈને ઊભો . તેણે કહ્યું : ‘માં, મને ભિક્ષા આપો.'

ઘરમાંથી અવાજ આવ્યો : “દીકરા, જરા થોડો વખત થોભજે !'

આ સાંભળીને પેલા સંન્યાસીનું મગજ તપી ગયું : 'અરે ! તું મને રાહ જોવાનું કહે છે ? મારી શક્તિનું તને હજી ભાન નથી.’ આવો વિચાર તે કરતો હતો ત્યાં તો ઘરની અંદરથી ફરી અવાજ આવ્યો : ‘દીકરા ! તપનું બહુ અભિમાન ન રાખ. અહીં કંઈ કાગડો કે બગલો નથી.'

યોગીને આશ્ચર્ય થયું. એને રાહ પણ જોવી પડી. આખરે સ્ત્રી બહાર આવી. યોગી એના પગે પડ્યો અને પૂછવા લાગ્યો : 'મા, તમને કાગડા અને બગલાની વાતની ખબર કેવી રીતે પડી ?'

પેલી સ્ત્રીએ જવાબ આપ્યો : 'મારા દીકરા ! હું તારા યોગને તેમજ સાધનાને જાણતી નથી. હું તો એક સામાન્ય સ્ત્રી છું. મારે તને રાહ જોવડાવવી પડી ! મારા પતિ બીમાર છે. હું તેમની સેવામાં હતી. આખા જીવનમાં મારું કર્તવ્ય બજાવવાની મેં મથામણ કરી છે. જ્યારે હું કુમારિકા હતી ત્યારે મારાં માબાપ પ્રત્યેનાં કર્તવ્ય મેં બજાવ્યાં ; આજે હું પરણેલી છું ત્યારે મારા પતિ પ્રત્યેનું કર્તવ્ય હું બજાવું છું. એકમાત્ર આ યોગ હું સાધું છું. પણ મારું કર્તવ્ય બજાવવાથી મારામાં જ્ઞાન આવ્યું છે, આથી તારા મનમાં ચાલતા વિચારો હું જાણી શકી અને તે જે વનમાં કર્યું તે સમજી શકી. આથી વિશેષ જાણવાની જિજ્ઞાસા હોય તો હું કહું છું કે ગામની બજારમાં તું જા. ત્યાં તને એક વ્યાધ મળશે. તને ખૂબ આનંદ આવે એવું કંઈક એ તને કહેશે.’

પહેલાં તો એ સંન્યાસીને થયું : ‘મારે એ ગામમાં અને વળી એ વાઘ પાસે શું કામ જવું જોઈએ?' પણ પોતે જે જોયું તેથી એની આંખો જરા ખૂલી હતી. એ ગયો. એણે બજારમાં દૂર એક વ્યાઘને જોયો. એ વ્યાઘ મોટા છરા વતી માંસના ટુકડા કાપતો હતો, અને સાથોસાથ જુદા જુદા લોકો સાથે સોદો કરતાં કરતાં વાતો કરતો હતો.

પેલા જુવાન સંન્યાસીને થયું : ‘ઓ પ્રભુ ! આવા માણસની પાસે મારે શીખવાનું શું હોય ? આ તો રાક્ષસ જેવો છે !' એટલામાં એ વ્યાધે ઊંચે જોયું અને કહ્યું : 'સ્વામીજી ! તમને પેલી સ્ત્રીએ અહીં મોકલ્યા ? જરા મારું કામ પતાવી લઉં ત્યાં સુધી બેસો,' સંન્યાસી ચમક્યો : ‘આ શું થઈ રહ્યું છે !'

તે બેઠો અને વાઘ એનું કામ કરતો રહ્યો. કામ પતી ગયા પછી પૈસા ટકા સંભાળી લઈ તેણે સંન્યાસીને કહ્યું : ‘ચાલો સ્વામીજી, મારે ઘેર ચાલો.' ઘેર પહોંચ્યા એટલે વ્યાધે બેસવાને આસન આપી કહ્યું : ‘બેસો, સ્વામીજી !'

આમ કહી વ્યાઘ ઘરમાં ગયો. વ્યાધે ઘરમાં પોતાનાં ઘરડાં માતાપિતાને નવડાવ્યાં, જમાડ્યાં અને એમને રાજી રાખવા જે કાંઈ થઈ શકે એ બધું કર્યું.

ત્યાર પછી એ વ્યાધ સંન્યાસી પાસે આવ્યો અને બોલ્યો : ‘ચાલો ત્યારે, તમે મને મળવા આવ્યા છો તો તમારે માટે હું શું કરું ?'

સંન્યાસીએ એને આત્મા અને પરમાત્મા વિશે થોડા સવાલ પૂછ્યા. વ્યાધે એને એ વિશે એક આખ્યાન આપ્યું , જે ‘મહાભારત' ના એક ભાગ તરીકે ‘ વ્યાઘ - ગીતા ’ નામે ઓળખાય છે . એમાં વેદાંતનું ઊંચું રહસ્ય છે.

જ્યારે વ્યાધે પોતાનો ઉપદેશ પૂરો કર્યો, ત્યારે સંન્યાસી આશ્ચર્યચક્તિ થયો. તેણે પૂછ્યું : ‘તમારી પાસે આવું જ્ઞાન છે, તો પણ તમે વ્યાઘના શરીરમાં શા માટે રહો છો ? આવું ગંદું અને હલકું કામ શા માટે કરી રહ્યા છો ?'

વ્યાઘે જવાબ આપ્યો : 'હે વત્સ, કોઈ કર્તવ્ય ગંદું નથી, કોઈ કર્તવ્ય હલકું કે અશુદ્ધ નથી. મારા જન્મ મને આ સંજોગોમાં અને વાતાવરણમાં મૂક્યો છે. મારા બાળપણમાં હું આ ધંધો શીખ્યો છું. હું અનાસક્ત છું અને ગૃહસ્થ તરીકે હું મારાં માતાપિતાને સુખી કરવાનું કર્તવ્ય સારી રીતે બજાવવાનો પ્રયત્ન કરું છું. હું તમારા યોગને જાણતો નથી, હું સંન્યાસી થયો નથી, તેમજ જગત છોડી હું વનમાં ગયો નથી, તેમ છતાં તમે જે કંઈ જોયું અને સાંભળ્યું, તે મારી પરિસ્થિતિને અનુરૂપ અનાસક્ત ભાવે કર્તવ્ય કરવામાંથી મને પ્રાપ્ત થયેલું છે.'

-સ્વામી વિવેકાનંદ
પુસ્તક નુ નામ : ચાલો સ્વામીજી વાર્તા કહે છે

ગીતામા શ્રી કૃષ્ણ અે પણ કહ્યુ છે

स्वे स्वे कर्मण्यभिरतः संसिद्धिं लभते नरः ।स्वकर्मनिरतः सिद्धिं यथा विन्दति तच्छृणु ॥१८-४५॥

પોત પોતાના સ્વાભાવિક કર્મમાં નિરત રહેલો મનુષ્ય સત્વ શક્તિને(સિધ્ધી)ને પામે છે પોતાના કર્મમાં તત્પર રહેલો
મનુષ્ય જે પ્રકારે મોક્ષની સિદ્ધિને પામે છે, તે તું સાંભળ.(૪૫)

श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात् ।स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः ॥३-३५॥
એટલું યાદ રાખજે કે પરધર્મ ગમે તેટલો સારો હોય પણ સ્વધર્મ કરતાં ઉત્તમ કદાપિ નથી. એથી તું તારા સ્વધર્મનું પાલન કરીને વીરગતિને પ્રાપ્ત કરીશ તો એ પરધર્મ કરતાં ઉત્તમ અને કલ્યાણકારક છે.3.35

यः शास्त्रविधिमुत्सृज्य वर्तते कामकारतः।
न स सिद्धिमवाप्नोति न सुखं न परां गतिम् ૧૬.૨૩
જે શાસ્ત્રોઅે દર્શાવેલ આજ્ઞા વિધિ છોડી પોતાની ઈચ્છા પ્રમાણે વર્તે છે, તેને સિદ્ધિ, સુખ કે ઉત્તમ/પરલોકની ગતિ પ્રાપ્ત થતી નથી.(૨૩)

આજે જ્યારે ભારત દેશમાંથી વિશ્વ આદર્શ વર્ણવ્યવસ્થા, વિવાહ સમયે સ્ત્રી પુરુષના ધર્મ ના વિભાજનથી નિર્ધારિત કરેલ કુંટુંબ વ્યવસ્થાનુ પાલન કરવાનુ લુપ્ત થઈ રહ્યુ છે ત્યારે  પ્રત્યેક સનાતની અે ભગવાન કૃષ્ણ ની ગીતા ના આ સંદેશ અંગે વિચારવુ જોઈઅે.
શુ ભૌતિક સુખ ના આ માર્ગ પર આપણો મોક્ષ નો માર્ગ પ્રશસ્ત થશે.???શુ આ લોક માં પણ આપણે આ સિધ્ધાંત નો ત્યાગ કરી સુખ પામી શકીશુ.???
હર હર મહાદેવ🚩🕉

Comments

Popular posts from this blog

श्री धर्मंसम्राट करपात्री जी महाराज द्वारा रची गयी पुस्तकें

ભારત નુ બંધારણ કોણે ઘડ્યુ ??

આર્ય સમાજ નુ ખંડન