VED PARICHAY SERIES

વેદ પરિચય સિરિઝ પાર્ટ ૧

વેદ હિંદુધર્મનો પ્રથમ અને પ્રમુખ ધર્મગ્રંથ હોવા છતાં આપણે બધાએ એ વાતનો સ્વીકાર કરવો જ પડશે કે હાલ વેદ અને આપણી વચ્ચે બહુ મોટી ખાઈ ઉભી થઇ ગઈ છે. કદાચ કુલ હિન્દુઓના એક ટકા લોકોને પણ ચાર વેદનાં નામની ખબર જ નહીં હોય, તો તેમાં સમાયેલ જ્ઞાન વિષે પૂછવાનો તો પ્રશ્ન જ ઉભો થતો નથી. મોટાભાગના વિદ્વાનો અને જિજ્ઞાસુઓ પણ ગીતા અને ઉપનિષદોનો અભ્યાસ કરે છે, પરંતુ વેદથી દુર ભાગે છે.
આમ છતાં હજારો વર્ષથી આપણા દેશના અનેક વિદ્વાનો તેમજ કેટલાય વિદેશી વિદ્વાનોએ પણ વેદોનો ઊંડો અભ્યાસ કર્યો જ છે. વળી હવે તો વેદોનું જ્ઞાન કેટલીય ભાષાઓમાં ભાષાંતર થઈને પુસ્તકોરૂપે પણ મળે છે. એટલે સામાન્ય જનસમાજ, જેઓ સંસ્કૃત ભાષાનું જ્ઞાન ધરાવતા નથી, તેઓ પણ પોતાની માતૃભાષામાં જ વેદનું જ્ઞાન સરળતાથી અને સહજતાથી મેળવી શકે છે. જરૂર છે માત્ર વેદોનું જીવનોપયોગી જ્ઞાન મેળવવા માટેની ઈચ્છા ધરાવવાની, જીજ્ઞાસા કેળવવાની અને જરૂરિયાત સમજવાની.
હવે સૌ પ્રથમ આપણે જોઈએ વેદોમાં સમાવિષ્ટ જ્ઞાન અંગેની કેટલીક મૂળભૂત લાક્ષણીકતાઓ.
૧) વેદ અનેક ઋષિઓનું દર્શન છે અને વેદોની રચનાનો ગાળો પણ ઘણો વિશાળ છે. અર્થાત સેંકડો ઋષિઓએ હજારો વર્ષ સુધી જે જોયું, જે અનુભવ્યું અને જે રજૂ કર્યું તે વેદ છે. એટલે વેદનું જ્ઞાન ઘણું વિશાળ, સંપૂર્ણપણે વ્યાપક અને અપરંપાર વૈવિધ્યપૂર્ણ છે.
૨) અનેક ઋષિઓનું આટલું વૈવિધ્ય ધરાવતું દર્શન એકસરખું અને એકરૂપ તો હોઈ શકે જ નહીં. એટલે પરસ્પર વિરોધી લાગે તેવી વાતો વેદમાં ઘણીવાર મળી આવે છે. તેને વિરોધાભાસ નહીં પણ વૈદિક દર્શનની સમૃદ્ધિ સમજવી જોઈએ.
૩) વેદ મૂળભૂત રીતે આધ્યાત્મિક જ્ઞાનના ગ્રંથો છે. વેદમાં પરમપદની પ્રાપ્તિને જીવનનું અંતિમ લક્ષ્ય ગણવામાં આવે છે અને તેથીજ તે પદની પ્રાપ્તિ માટેનાં સાધનોની સમજ પણ અહીં આપેલી છે.
૪) વેદમાં અનેક દેવોની સ્તુતિ છે. જેથી અનેક વિદ્વાનો એમ માનવા પ્રેરાયા છે કે વેદમાં એકેશ્વરવાદ નથી પણ બહુદેવવાદ છે. વાસ્તવમાં બાહ્ય અને ઉપરછલ્લી દ્રષ્ટિથી જોતાં વેદમાં બહુદેવવાદ જણાય છે. પરંતુ ઊંડી અને ઝીણવટભરી દ્રષ્ટિથી અભ્યાસ કરતાં સ્પષ્ટપણે ખ્યાલ આવે છે કે વેદમાં મૂળભૂત રીતે એકેશ્વરવાદ જ છે અને તેના પાયા પર આધારિત બહુદેવવાદ પણ છે. ટૂંકમાં વેદમાં બહુદેવવાદ સહિત એકેશ્વરવાદ છે. વેદમાં અનેક દેવો અને એક ઈશ્વર વચ્ચે કોઈ વિરોધ નથી. જેમ એક સમ્રાટના અનેક પ્રધાનો હોય તેમ એક ઈશ્વરના આધિપત્ય હેઠળ અનેક દેવો અસ્તિત્વ ધરાવે છે.
૫) તત્વજ્ઞાનનો ખૂબ મહત્વપૂર્ણ અને વિચારણીય વિષય છે દ્વૈત (જીવ અને બ્રહ્મ -ઈશ્વર, એમ બે અલગ રચનાઓ છે તેમ માનવું) અને અદ્વૈત (જીવ એ જ બ્રહ્મ છે તેમ માનવું)ની ચર્ચા. એટલે આપણને સ્વાભાવિકપણે પ્રશ્ન થાય છે કે વેદ દ્વૈતવાદી છે કે અદ્વૈતવાદી. હવે આદિ શંકરાચાર્ય વેદમાં અદ્વૈતવાદ જુએ છે, આચાર્ય માધવાચાર્ય વેદમાં દ્વૈતવાદ જુએ છે અને મહર્ષિ દયાનંદ વેદમાં ત્રિક્વાદ (જીવ, જગત; અને બ્રહ્મ એમ ત્રણ અલગ રચનાઓ છે તેમ માનવું) જુએ છે. આમાંથી સાચું કોણ? વેદમાં તેનો જવાબ શોધીએ તો જાણવા મળે છે કે આ ત્રણેય સાચા છે. વેદની સંહિતામાં આ ત્રણેય દર્શનના પુરસ્કર્તાઓ પોતપોતાના મતને સાબિત કરે તેવા મંત્રો શોધી શક્યા છે. વાસ્તવમાં દ્વૈત, અદ્વૈત કે ત્રિક એ સર્વે એક પરમ સત્યને જોવાની ભિન્ન ભિન્ન દ્રષ્ટિ છે. જેમ એક વિશાળ ભવનનો આકાર જુદાજુદા સ્થાને ઉભા રહીને જોવાથી જુદોજુદો જણાય છે, પરંતુ ભવન તો એક જ છે અને એક જ આકારનું છે. તે જ રીતે પરમ સત્ય પણ એક જ છે, ફક્ત તેને જોવાની ભિન્નભિન્ન દ્રષ્ટિને લીધે દરેકને તે ભિન્નભિન્ન દેખાય છે.


વેદ પરિચય સિરિઝ પાર્ટ ૨
૬) દરેક ધર્મ અને અધ્યાત્મનો એક મહત્વનો પ્રશ્ન એ છે કે પરમતત્વ સગુણ છે કે નિર્ગુણ, સાકાર છે કે નિરાકાર. વેદ આ સમસ્યાને પણ સારી રીતે સમજાવે છે. વેદમાં બ્રહ્મના નિર્ગુણ સ્વરુપનું વર્ણન છે, તે જ રીતે બ્રહ્મના સગુણ સ્વરુપનું વર્ણન પણ છે. વેદના જ્ઞાન મુજબ બ્રહ્મ નિરાકાર છે, પરંતુ તે સાકાર સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. બ્રહ્મ અનંત છે અને તેને જ લીધે તે પરસ્પર વિરોધી ગુણોનું આશ્રયસ્થાન છે. તેથી બ્રહ્મમાં સગુણતા, નિર્ગુણતા, સાકારપણું અને નિરાકારપણું –બધું એકસાથે સંભવે છે.
૭) હિન્દુધર્મના એક ઘણા મહત્વના એવા કર્મ અને પુનર્જન્મના સિદ્ધાંતનાં બીજ વેદના મંત્રોમાં જોવા મળે છે. જીવ જે કાંઈ સારાંનરસાં કર્મો કરે છે, તેનું ફળ તેને ભોગવવું પડે છે, એવો કર્મનો નિયમ છે. મૃત્યુ તો માત્ર સ્થૂળ શરીરનો જ અંત છે. મૃત્યુથી જીવનું અસ્તિત્વ એટલે કે ‘આત્મા’નો નાશ થતો નથી. મૃત્યુ દ્વારા જીવાત્મા એક શરીર છોડી પુનર્જન્મ દ્વારા નવું શરીર ધારણ કરે છે. જન્મમરણની આ ઘટમાળ મોક્ષપર્યંત ચાલુ જ રહે છે. આ વિચારસરણીના મુખ્ય ત્રણ સિધ્ધાંત છે:
૧) આત્મા અજરઅમર છે.
૨) આત્મા પુનર્જન્મ ધારણ કરે છે.
૩) આત્મા પોતાનાં કર્મો અનુસાર ફળ પામે છે.
આ ત્રણ સિદ્ધાંતોનો ભારતીય ધર્મસાહિત્યમાં સર્વત્ર સ્વીકાર થયો છે. વેદને પ્રમાણ તરીકે નહિ સ્વીકારનાર બૌદ્ધ અને જૈનધર્મમાં પણ આ સિદ્ધાંતોનો સ્વીકાર થયો છે.
૮) અવતારવાદ મુજબ પરમાત્મા અવારનવાર માનવશરીર અથવા માનવેતર શરીર ધારણ કરીને પૃથ્વી પર અવતાર લે છે અને લોકોનાં દુઃખ દુર કરે છે. સામાન્ય માન્યતા મુજબ વેદમાં અવતારવાદનું વર્ણન નથી. પરંતુ અન્ય એક અભિપ્રાય મુજબ વેદ અને વૈદિક સાહિત્યમાં ઘણી જગ્યાએ અવતારવાદના ઉલ્લેખો જોવા મળે છે.
૯) આધ્યાત્મિક વિદ્યામાં મહત્વની પંચકોશવિદ્યાનું મૂળ પણ વેદમાં છે. પંચકોશવિદ્યા મુજબ આત્માનું નિવાસસ્થાન પાંચ પ્રકારના કોશ એટલેકે આવરણમાં રહેલું છે. તેમાંથી સૌથી વધુ સ્થૂળ અને બહારનું આવરણ અન્નમય કોશ છે, જે સામાન્ય રીતે સ્થૂળ શરીર તરીકે ઓળખાય છે અને તે પાંચ મહાભૂતો (પૃથ્વી, આકાશ, અગ્નિ, વાયુ અને જળ)માંથી બનેલ છે. મૃત્યુ વખતે જીવ આ અન્નમય કોશને છોડી દે છે, જયારે જીવના અન્ય ચાર કોશ (પ્રાણમય કોશ, મનોમય કોશ, વિજ્ઞાનમય કોશ અને આનંદમય કોશ) તો મૃત્યુ પછી પણ તે જીવ એટલે કે આત્માની સાથે જ રહે છે.
૧૦) વેદમાં મોક્ષનો અંતિમ અને પરમ પુરુષાર્થ તરીકે સ્વીકાર થયો છે અને આ મોક્ષ એટલે કે પરમપદ પ્રાપ્ત કરવા માટેની આવશ્યક આધ્યાત્મિક સાધનાપધ્ધતિઓની વિગતો પણ વેદમાં છે.
૧૧) એક દ્રષ્ટિબિંદુ પ્રમાણે હિંદુ સંસ્કૃતિ મુજબ જીવનમાં મુક્તિ માટેના ત્રણ માર્ગ છે: કર્મ, ભક્તિ અને જ્ઞાન. મનુષ્ય આ ત્રણ માર્ગ થકી જ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. મોક્ષનો અર્થ સ્વર્ગ કે નર્કના અર્થમાં નથી, પરંતુ મોક્ષ જીવનની એવી અવસ્થાનું નામ છે કે જયારે માણસ કર્મોનાં બંધનમાંથી મુક્ત થઇને જન્મોનાં બંધનમાંથી મુક્તિ મેળવે છે. વેદો આ ત્રણેય માર્ગોનું પ્રતિક છે. ઋગ્વેદ જ્ઞાન, યજુર્વેદ કર્મ (કર્મકાંડ) અને સામવેદ ભક્તિના ગ્રંથ છે, જે ત્રણેય મનુષ્યને મોક્ષના માર્ગ તરફ દોરી જાય છે.
૧૨) અન્ય એક દ્રષ્ટિબિંદુ પ્રમાણે માનવજીવનના ચાર પુરુષાર્થ છે- ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અને ચારેય વેદ આ ચાર પુરુષાર્થનાં પ્રતિક છે.
૧૩) વેદો સર્વ વિદ્યામય છે. તેમાં કેવળ વ્યક્તિગત, કૌટુંબિક, સામાજીક અને રાષ્ટ્રીય ઉન્નતિ સંબંધિક વ્યાવહારિક વાતોનો જ ઉલ્લેખ નથી, બલ્કે તેમાં પારલૌકિક અને આધ્યાત્મિક જ્ઞાન-વિજ્ઞાનની ચર્ચા પણ છે. વેદોમાં સર્વ વિદ્યાઓનું સંક્ષેપમાં વર્ણન છે. વેદો જ્ઞાનનો ભંડાર છે અને તેમાં જીવનનાં અનેક ગૂઢ રહસ્યો પ્રગટ કરાયેલાં છે. એવું પણ કહી શકાય કે વેદો વિચારોના ગ્રંથો છે. અન્ય બધાં જ શાસ્ત્રો વેદનો મહિમા ગાય છે અને વેદને જ ધર્મનું મૂળ માને છે. અમેરિકાની ખ્યાતનામ ખગોળસંસ્થા નાસાએ પણ વેદોમાં સમાવિષ્ટ જ્ઞાનને પ્રામાણિત માન્યું છે.


વેદ પરિચય સિરિઝ પાર્ટ ૩

૧૪) માનવના ચરમ ભૌતિક અને આધ્યાત્મિક ઉત્કર્ષ માટે જે કોઈ વિદ્યાશાખાની આવશ્યકતા રહે છે, તે સમસ્ત વિદ્યાશાખાઓ વેદોમાં બીજ રૂપે વર્ણિત છે. ગણિત, ખગોળવિજ્ઞાન, ભૌતિકવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન, મનોવિજ્ઞાન, પર્યાવરણવિજ્ઞાન, ધાતુવિજ્ઞાન, પ્રકાશવિજ્ઞાન, સૃષ્ટિવિજ્ઞાન, વનસ્પતિશાસ્ત્ર, ઉડ્ડયનશાસ્ત્ર, ભાષાશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર, કૃષિ, ઉદ્યોગ, અર્થશાસ્ત્ર, રાજનીતિ, સમાજશાસ્ત્ર, આયુર્વેદ, દર્શન, યોગ, કર્મફળ, મોક્ષ, આ બધું જ વેદોમાં છે.
૧૫) વેદો હિંદુ ધર્મના મૂળ ધર્મગ્રંથ ગણાય છે. જોકે વેદોના ઉપદેશનો અભ્યાસ કરીએ તો જણાય છે કે તે કોઈ એક ધર્મ કે સંપ્રદાયના લોકો માટેના ગ્રંથો નથી, પરંતુ સમસ્ત માનવજાતના કલ્યાણ માટેના ગ્રંથો છે. આમ વેદો ધર્મગ્રંથ નહિ પણ જ્ઞાનગ્રંથ છે.
૧૬) આજે વિશ્વનો માનવ સમુદાય અત્યંત વિકટ સમસ્યાઓથી ઘેરાયેલો છે. તેમાંથી મોટાભાગની સમસ્યાઓનું સચોટ સમાધાન વેદોમાં આપેલ નિર્દેશો અનુસાર થઇ શકે છે. વર્તમાન સંદર્ભમાં એ જરૂરી થઇ ગયું છે કે વેદોના શાસ્ત્રીય જ્ઞાનનું અધ્યયન તેમજ અનુસંધાન કરીને તેને આધુનિક યુગની રીતે વ્યાવહારિક અને પ્રાસંગિક બનાવવામાં આવે અને વેદના જ્ઞાનને આધુનિક વિજ્ઞાનના એક પૂરક વિષયના રૂપમાં ગણવામાં આવે; જે પ્રશ્નોના જવાબ આધુનિક વિજ્ઞાનમાં નથી મળી શકતા તેને વેદનું અધ્યયન કરીને મેળવવામાં આવે જે પ્રાકૃતિક તેમજ ભૌતિક ઘટનાઓના કારણોની જાણકારી આધુનિક વિજ્ઞાનની પાસે નથી, તે કારણોની વિવેચના વેદમાં આપેલ જ્ઞાન અજમાવીને કરવામાં આવે.
વેદમાં સમાવિષ્ટ ગ્રંથો :
પ્રાથમિક દ્રષ્ટીએ વેદના ચાર ભાગ છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ પ્રમાણેના વેદના વિભાજનનો મહર્ષિ દયાનંદ સરસ્વતી સહિત અનેક વિદ્વાનોએ સ્વીકાર કરેલો છે.
પરંતુ અન્ય કેટલાક વિદ્વાનોના મત મુજબ વેદ કોઈ એક ગ્રંથ નથી, પણ અનેક ગ્રંથોનો સમૂહ છે. વેદોના મહાન ભાષ્યકાર સાયાણાચાર્યના મત મુજબ મંત્ર (વેદોની સંહિતાઓ) અને બ્રાહ્મણગ્રંથો મળીને વેદ ગણાય છે. જયારે અન્ય કેટલાક વિદ્વાનો વેદની સંહિતાઓ, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ આ ચારેય ગ્રંથોને વેદના ભાગરૂપ ગણે છે. તો આ બધા ગ્રંથો પણ શા માટે વેદનો ભાગ ગણાય છે તે હવે જોઈએ.
વેદનો મંત્રભાગ “સંહિતા” કહેવાય છે. જે શબ્દરાશિનો યજ્ઞમાં સાક્ષાતરૂપે ઉપયોગ થાય છે તે મંત્રભાગ છે. વાસ્તવમાં વેદની જેટલી શાખાઓ હતી, તે દરેકને પોતપોતાની સંહિતા હતી. હવે ચારે વેદની કુલ ૧૧૩૧ શાખાઓ છે, એટલે કુલ ૧૧૩૧ સંહિતાઓ હોવી જોઈએ. પરંતુ વર્તમાનકાળમાં બહુ ઓછી એટલે કે માત્ર ૧૧ શાખાઓ ઉપલબ્ધ છે, જયારે બાકીની શાખાઓ લુપ્ત થઇ ગઈ છે.ઉપલબ્ધ સંહિતાઓમાં પાંચ સંહિતાઓ મુખ્ય છે: ઋગ્વેદસંહિતા, શુક્લ યજુર્વેદસંહિતા, કૃષ્ણ યજુર્વેદસંહિતા, સામવેદ સંહિતા અને અથર્વવેદસંહિતા.
વેદના મંત્રભાગ વિષે જેમાં વ્યાખ્યાન અને વિવેચન કરવામાં આવેલ છે તેને બ્રાહ્મણભાગ કહે છે. મંત્રનું એક નામ “બ્રહ્મ” પણ છે. આ બ્રહ્મવિષયક વ્યાખ્યાનને “બ્રાહ્મણ” કહે છે. તેમાં યજ્ઞની વિધિ, કથા, આખ્યાયિકા અને સ્તુતિ તેમજ યજ્ઞની પદ્ધતિ, ઉદબોધન, ફલપ્રાપ્તિ વિગેરેનું વિવેચન છે. અહીં યજ્ઞની ક્રિયા એટલે કે કર્મકાંડ મુખ્ય વિષય છે.
આરણ્યક ગ્રંથોમાં યજ્ઞની પદ્ધતિ, મંત્રો, ફલપ્રાપ્તિ વિગેરેના વર્ણનમાં આધ્યાત્મિક સંકેત આપવામાં આવ્યા છે. આમ અહીં ઉપાસના મુખ્ય વિષય છે. આ ગ્રંથોનું અધ્યયન અને મનન મોટેભાગે વન (અરણ્ય)માં થયું હોવાથી તેમને આરણ્યક કહે છે.
ઉપનિષદ વેદનો અંતિમ ભાગ છે, તેથી તેમને વેદાંત પણ કહે છે. આ ગ્રંથોમાં વેદનો નિષ્કર્ષ આપવામાં આવેલો છે, અર્થાત વેદનો અર્ક અથવા નિચોડ તેમાં છે. આ ગ્રંથોમાં આધ્યાત્મિક જ્ઞાન મુખ્ય વિષય છે.
આમ બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ ગ્રંથો વેદને એટલેકે સંહિતાભાગને સંલગ્ન અને પુરક છે. તેથી અમુક વિદ્વાનો આ ગ્રંથોને વેદના ભાગ તરીકે જ ગણે છે. આમ પ્રત્યેક વેદ ચાર વિભાગમાં જોવા મળે છે. પહેલા ત્રણ ભાગ એટલે કે મંત્રસંહિતા, બ્રાહ્મણ અને આરણ્યક ભાગોને પૂર્વમીમાંસા દર્શન કહે છે, જેમાં કર્મકાંડનું વર્ણન છે. જયારે ઉપનિષદ વેદનો અંતિમ ભાગ હોવાથી વેદાંતદર્શન તરીકે ઓળખાય છે અને તેમાં જ્ઞાનકાંડની ચર્ચા છે.
કેટલાક વિદ્વાનો બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ ગ્રંથોને વૈદિક સાહિત્ય તરીકે તો સ્વીકારે છે, પરંતુ તેમને વેદનો ભાગ ગણતા નથી.

વેદ પરિચય સિરિઝ પાર્ટ ૪
વૈદિક સાધનાના તબક્કા:
વેદમાં પરમપદની પ્રાપ્તિને જીવનનું અંતિમ લક્ષ્ય ગણવામાં આવે છે. તેથી વેદમાં પરમપદની પ્રાપ્તિ માટેની આવશ્યક આધ્યાત્મિક સાધનાપધ્ધતિઓની વાત પણ છે. આ વૈદિક સાધનાના ત્રણ તબક્કા છે:
૧) પ્રયોગ:
પ્રયોગ એ વૈદિક સાધનાનો પ્રારંભિક તબક્કો છે. આ પ્રથમ કક્ષા ક્રિયાત્મક છે, જેમાં કશુંક “કરવું” મુખ્ય છે. સાધક તેના ગુરુના માર્ગદર્શન હેઠળ યજ્ઞ, જપ, પૂજા, પાઠ, વ્રત, સ્વાધ્યાય, યોગાસન, પ્રાણાયામ, અનુષ્ઠાન, તીર્થયાત્રા જેવી વિવિધ પ્રકારની ક્રિયાઓ કરે છે. તેથી આ સાધનાને ક્રિયાકાંડકહે છે.
આ સાધનામાં પાંચ તત્વો પ્રધાન હોય છે: દ્રવ્ય, મંત્ર, વિધિ, ભાવ અને સમજ. આ બધાં તત્વોના યોગ્ય ઉપયોગથી કરેલ ક્રિયાકાંડ ફળદાયી બને છે. તેનાથી સાધકનું ચિત્ત શુદ્ધ થાય છે, વૃત્તિઓ અંતર્ગામી થાય છે અને લાંબા સમય સુધી પ્રર્યાપ્ત માત્રામાં તેના અનુષ્ઠાન પછી સાધકનો દ્વિતીય કક્ષામાં પ્રવેશ થાય છે.
૨) સંપ્રયોગ:
સંપ્રયોગ સાધનાનો દ્વિતીય તબક્કો છે. આ કક્ષામાં ક્રિયાત્મક પાસું ઓછું થાય છે. અહીં કશુંક કરવું નહિ, પરંતુ “ચિંતવવું અને અનુભવવું” મુખ્ય છે. આ સાધનાને ઉપાસનાકાંડ કહે છે.
ઉપાસનાનાં બે મુખ્ય સ્વરૂપ છે: સાકારની ઉપાસના અને નિરાકારની ઉપાસના.
સાકારની ઉપાસનામાં મૂર્તિ, શિવલિંગ, દર્ભમૂર્તિ જેવાં પ્રતીકો રાખવામાં આવે છે, જેથી તે પ્રતીકોપાસના તરીકે ઓળખાય છે. અહીં ઉપાસના કરનાર ઉપાસક પરમ સત્યને પોતાનાથી ભિન્ન માનીને ઉપાસના કરે છે, તેથી તેમાં દ્વૈતભાવ છે.
નિરાકારની ઉપાસનામાં ચિંતનના માર્ગે પરમ સત્યની ઉપાસના કરવામાં આવે છે, જે અહંગ્રહોપાસના તરીકે ઓળખાય છે. અહીં ઉપાસના કરનાર ઉપાસક પરમ સત્યને પોતાનામાં જ માનીને ઉપાસના કરે છે, એટલે કે તેમાં અદ્વૈતભાવ છે.
સંપ્રયોગ સાધનાના દીર્ઘ પ્રયોગ પછી સાધકનો તૃતીય કક્ષામાં પ્રવેશ થાય છે.
૩) સંપ્રસાદ:
અધ્યાત્મની તૃતીય કક્ષાને સંપ્રસાદ કહે છે. આ અવસ્થામાં ‘કરવું’ કે ‘અનુભવવું’ ગૌણ બને છે અને ‘હોવું’ પ્રધાન છે.આ સાધનાને જ્ઞાનકાંડ કહે છે.
વૈદિક સાધનાની પદ્ધતિઓ:
વૈદિક સાધનાના ત્રણેય તબક્કાઓ સુધી પહોંચવા માટે જુદીજુદી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે.
૧) યજ્ઞ:
પરમતત્વની અગ્નિ દ્વારા થતી ઉપાસનાને યજ્ઞ કહેવાય છે, જે વૈદિકસાધનાના પ્રથમ તબક્કા ‘પ્રયોગ’નું સાધન છે. અગ્નિ દેવ સુધી આહુતિ લઇ જનાર વાહક છે. અગ્નિ પોતે પણ એક દેવ છે અને દેવોને આહુતી પહોંચાડનાર હોવાથી દેવમુખ કહેવાય છે. સૂર્યની જેમ અગ્નિ પણ પ્રત્યક્ષ દેવ છે તથા અગ્નિ એ સૂર્યનો પૃથ્વી પરનો પ્રતિનિધિ ગણાય છે.
યજ્ઞપરંપરા એ આપણી સૌથી પ્રાચીન ઉપાસના પદ્ધતિ છે અને વેદોમાં તેનું વિસ્તૃત વર્ણન અને આગવું મહત્વ છે.વાસ્તવમાં યજ્ઞ વેદનું અભિન્ન અંગ છે અને વૈદિક જીવનપદ્ધતિ અને વૈદિક સંસ્કૃતિનું કેન્દ્ર પણ છે.
અધ્યાત્મ સાધનામાં બે તત્વો અગત્યનાં છે: અભીપ્સા (તિવ્ર ઈચ્છા) અને સમર્પણ. સાધકની અભીપ્સા પ્રજવલિત થાય અને સમર્પણ પૂર્ણ થાય એટલે સાધકનો આધ્યાત્મિક વિકાસ થાય છે. આ બંને તત્વોની પ્રાપ્તિ યજ્ઞ દ્વારા થઇ શકે છે.
અભીપ્સા એટલે પરમતત્વને પામવાની જ્વાળારૂપી તીવ્ર ઈચ્છા. અગ્નિની જ્વાળાઓ આ અભીપ્સાનું પ્રતિક છે અને અગ્નિ દ્વારા બાહ્ય ઉપાસનાથી વ્યક્તિની અંદરનો અગ્નિ પ્રજવલિત થાય છે અને સાધના પરિપૂર્ણ કરવામાં સહાય કરે છે.
સમર્પણમાં સાધકે પોતાનાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, પ્રાણ અને શરીર પણ પરમતત્વને અર્પણ કરવાનાં હોય છે. યજ્ઞની આહુતીની વિધિ પણ એક જાતનું સમર્પણ છે, જેના દ્વારા સાધક પરમતત્વને સર્વસ્વ કરે છે.

વેદ પરિચય સિરિઝ પાર્ટ ૫
યજ્ઞનાં પ્રધાન તત્વો પાંચ છે – મંત્ર, દ્રવ્ય, વિધિ, ભાવ અને સમજ.
મંત્ર: પ્રાચીન ઋષિઓએ આર્ષદ્રષ્ટિથી જોયેલા મંત્રો આપણને આપ્યા છે. યજ્ઞવિધિમાં દેવતા અને ક્રિયાને અનુરૂપ મંત્રોનું પઠન થાય છે.
દ્રવ્ય: દેવતા અને વિધિને અનુરૂપ યજ્ઞમાં હોમવા માટેના દ્રવ્ય (હુતદ્રવ્ય)ની પસંદગી કરવામાં આવે છે. સમિધ (હવનમાં હોમવા માટેનાં વિવિધ પ્રકારનાં લાકડાં) શરીરનું પ્રતિક છે. જવ-તલ પ્રાણનું પ્રતિક છે. ઘી બુદ્ધિનું પ્રતિક છે. દૂધ ચિત્તનું પ્રતિક છે. બલિદાન અહંકારના સમર્પણની ક્રિયા છે.
વિધિ: યજ્ઞની એકએક ક્રિયા આંતરદર્શનથી ગોઠવાયેલ છે અને ઘણી રહસ્યપૂર્ણ અને પ્રતીકાત્મક છે. તેથી યજ્ઞવિધિ સંપૂર્ણ ચોકસાઈથી શાસ્ત્રોક્ત આદેશો મુજબ જ કરવી જોઈએ.
ભાવ: સાધકનાં શ્રદ્ધા અને સાનુકુળ ભાવ પણ યજ્ઞોપાસનાની સિધ્ધી માટેનું અનિવાર્ય તત્વ છે. યંત્રવત કરેલી ઉપાસના ફળતી નથી.
સમજ: યજ્ઞની સમગ્ર વિધિ અને તેના રહસ્યની સમજ સાધકને હોય તો જ યજ્ઞક્રિયા તેનો આધ્યાત્મિક વિકાસ કરનારી બને છે.
આ પાંચેય તત્વોના સંપૂર્ણ ઉપયોગ દ્વારા યજ્ઞ કરવામાં આવે તો યજમાન –સાધકનાં આહુતી-દ્રવ્ય અગ્નિ મારફત તે યજ્ઞના દેવતાને પહોંચે છે.
૨) વેદપાઠ:
વેદના મંત્રોના પઠન, અધ્યયન અને ચિંતન દ્વારા પણ વૈદિક સાધના થાય છે.
૩) પ્રણવ ઉપાસના:
ઓમકારમંત્ર એ સાર્વભૌમ મહામંત્ર છે. શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ઓમકારનું ઉચ્ચારણ -પ્રણવનાદ કરીને પણ વૈદિક સાધના થાય છે.
૪) ગાયત્રી ઉપાસના
ઓમકારમંત્રની જેમ ગાયત્રીમંત્ર પણ સાર્વભૌમ મહામંત્ર છે. શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ગાયત્રીમંત્રનો જાપ કરીને પણ વૈદિક સાધના થાય છે.
૫) ગુરુમુખે જ્ઞાનનું શ્રવણ, તેના પર મનન-ચિંતન તથા આત્મવિચાર કરીને પણ વૈદિક સાધના થાય છે. આ અદ્વૈત વેદાંતની પ્રધાન સાધના છે.
૬) પ્રાણાયામ અને યોગ પણ વૈદિક સાધનાના ભાગ છે.
૭) કેટલીક તાંત્રિક સાધનાનાં મૂળ પણ વેદમાં જોવા મળે છે.
૮) વેદોનાં સૂક્તો પ્રાર્થનારૂપે છે, જેના દ્વારા ભક્તિ કરીને પણ સાધના થાય છે.


Comments

Popular posts from this blog

श्री धर्मंसम्राट करपात्री जी महाराज द्वारा रची गयी पुस्तकें

ભારત નુ બંધારણ કોણે ઘડ્યુ ??

આર્ય સમાજ નુ ખંડન